નરેન્દ્ર મોદીના જન્મદિને અનિરૂદ્ધભાઈ દવેની સેવાકીય પહેલ
ભુજ - કચ્છઉદય : માંડવી - મુન્દ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ અને જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે માંડવીમાં જલારામ અન્નક્ષેત્ર ખાતે જરૂરિયાતમંદો માટે ભોજનના ટિફિન પહોંચાડવાની સેવા કરવામાં આવી હતી. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના પૂજ્ય જલારામ બાપાના સેવા મંત્રને સાકાર કરતું શ્રી જલારામ અન્નક્ષેત્ર વર્ષોથી ગરીબો, શ્રમિકો, વડીલો, અશક્તો તથા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવાની સેવા કરી રહ્યું છે. ખાસ કરીને ઘરે રહીને ભોજન મેળવવામાં મુશ્કેલી અનુભવતા વડીલો અને અશક્ત લોકો સુધી ભોજનના ટિફિન ઘરઆંગણે પહોંચાડવાની સેવા પણ અન્નક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. જલારામ બાપાની પૂજા - અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારો માટે તૈયાર કરવામાં આવેલા ભોજનના ટિફિન તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે માંડવી-મુન્દ્રા વિસ્તારમાં અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ ‘આશીર્વાદનો દીવો’ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
.............

Comments