Trending News
સ્થાનિક સમાચાર

સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત નિરોણામાં સાયબર સુરક્ષા કાર્યક્રમ યોજાયો 

18 September




વિદ્યાર્થીઓને સાયબર છેતરપિંડી અને સોશિયલ મીડિયા અંગે અપાઈ મહત્વપૂર્ણ માહિતી

નિરોણા - કચ્છઉદય : રાજ્ય સરકારના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત નિરોણા પોલીસ સ્ટેશન તથા એસ.એસ.પી.એ. હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી સાયબર સુરક્ષા માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ સાથે સાયબર છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ, ફેક લિંક, સાયબર બુલિંગ તથા વ્યક્તિગત માહિતીના દુરુપયોગ જેવા જોખમો અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
પી.એસ.આઈ. કે.એચ. આહિર તેમજ શાળાના આચાર્ય ડૉ. વિ. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નિરોણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અજયભાઈ પ્રજાપતિ તથા શાળાના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાનીના સંકલનથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્સપર્ટ હમીરભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને મજબૂત પાસવર્ડ રાખવા, ઓટીપી કોઈને પણ ન આપવા, અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા, ફેક કોલ અને મેસેજથી સાવચેત રહેવા તેમજ સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી શેર ન કરવા અંગે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાયબર બુલિંગ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોઈપણ પ્રકારના સાયબર ક્રાઈમ કે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનવાના સંજોગોમાં તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ તથા પોર્ટલનો સંપર્ક કરવા અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સંચાલન સંદીપભાઈ ત્રિવેદીએ અને આભારવિધિ આશાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
--------

Comments

COMMENT / REPLY FROM